ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::કપાસના બગાડને અટકાવવા માટેના પગલા


અ. ફાર્મ પર લેવાના પગલા:

(૧) સંપુર્ણ રીતે ખુલેલા જીંડવામાથી કપાસ કાઢવો, અપરિપક્વ જીંડવામાથી કપાસ વીણવાથી તેની ગુણવતા હલકી થાય છે.

(૨)  સડેલી પેશીઓ, જીવાણુંઓવાળા, ડાઘા પડેલા, જમીન ઉપર પડેલ અને માટી લાગેલ કપાસની વીણી અલગથી કરી તેને જુદી બેગમાં ભરવો.

(૩)  કપાસની વીણી કરતી વખતે કીટી કસ્તરનું પ્રમાણ ઓછામાં ઓછુ આવે તેની કાળજી રાખવી.

(૪)  બીજા ફાલનો અથવા પાછલી વીણીનો કપાસ અલગ રાખવો જોઇએ.

(૫)  ખેતરમાં કપાસ વીણવા માટે સુતરાઉ કાપડની બેગનો ઉપયોગ કરવો જોઇએ.

(૬)  કપાસને જમીન ઉપર કપડુ અથવા પ્લાસ્ટીક પાથરી તેની ઉપર મુકવો, જેથી જમીન ઉપરની માટી, ધુળ વગેરેથી બગાડ ન થાય.

(૭)  વીણેલો કપાસ ૭ થી ૯ % ભેજ રહે તે રીતે સાફ જગ્યામાં સંગ્રહ કરવો.

(૮)  કપાસ વીણનાર મજૂરોને તેમના માથા ઉપર સુતરાઉ કપડુ બાંધવાની સુચના આપવી. જેથી એમના વાળ કપાસમાં ચોંટી ન જાય.

(૯)  કપાસ ની હેર ફેર વખતે હાથ ગાડી અથવા ટ્રેક્ટરને સાફ કર્યા પછી જ કપાસ ભરવો.

(૧૦) ખેતરમાં ૫૦% જીંડવાઓ ખુલે ત્યારબાદ જ કપાસની વીણી કરવી જોઇએ.

(૧૧) કપાસ ભર્યા પછી હાથ ગાડી અથવા ટ્રેક્ટરને ચારે બાજુથી સુતરાઉ કાપડ, કંતાન, કેનવાસથી બરાબર ઢાંકી લેવુ જોઇએ.

(૧૨) સવારનો ઝાકળ અથવા ભેજ ઉડી જાય ત્યારબાદ જ કપાસની વીણી કરવી જોઇએ.

(૧૩) કપાસના છોડમાં નીચેના ભાગમાં આવેલ જીંડવાઓ પહેલા વીણવા જેથી છોડ હલાવાથી ખરતા સુકા પાન કપાસ સાથે ચોંટી ના જાય અને કીટી કસ્તરનું પ્રમાણ ઘટાડી શકાય.

(૧૪) જુદી જુદી કપાસની જાતોની વીણી અલગ કરીને તેને અલગ-અલગ ટ્રાન્સપોર્ટના સાધનોથી ગોડાઉન અથવા જીન સુધી કપાસ લઇ જવો જોઇએ.

(૧૫) કપાસનો સંગ્રહ કર્યા બાદ ગોડાઉનનાં બારીબારણા બંધ કરી દેવા જોઇએ. જેથી હવા સાથે બહારથી આવતો કચરો રોકી શકાય.

(૧૬) કપાસનો જથ્થો રાખવાની જગ્યા ઝાડવાઓથી દુર હોવી જોઇએ. જેથી પાંદડા, ડાળીઓ કે પક્ષીઓના ઉપદ્રવથી કપાસને બચાવી શકાય.

(૧૭) કાલા વીણતી વખતે ડાળી ઉપરથી ફક્ત કાલાજ વીણવા. કાલા સાથે ડાળીનો ઉંઝરડો કરવો નહી.

(૧૮) વાગડ વિસ્તારમાં વવાતી બંધ કાલાની જાતોમાં કાલાને જ ફક્ત અલગ કરી ખેતરમાંથી ઘેર લાવી ફોલવા જોઇએ કારણકે ખેતરમાં પાંદડા, માટી, પવન વિગેરે હોય છે. ખુલ્લા કાલા માંથી ફક્ત કપાસ જ ખેચવો જોઇએ અને બંધ કાલાની વીણી અલગથી કરવી જોઇએ.

 

બ. ફાર્મ પર ‘ન’ લેવાના પગલાં:

(૧) સવારના ભેજ વાળા વાતાવરણમાં કપાસની વીણી કરવી જોઇએ નહી.

(૨) જુદી જુદી જાતોનો કપાસ અથવા આગલી પાછલી વીણીનો કપાસ એક બીજામાં ભેળસેળ ન કરવો જોઇએ.

(૩) કપાસનું વજન વધારવા માટે માટી, મીઠું કે પાણીથી કપાસને ભીંજવવાથી રૂ ની ગુણવતા હલકીબને છે તેથી આવી પ્રવૃત્તિ કરવી નહીં.

(૪) કપાસ વીણતી વખતે છોડના પાંદડા. ડાળી. ડાળખાના ભાગો ચુંટાવા ના જોઇએ.

(૫) કપાસના સંગ્રહ સ્થાનની નજીક ઝ્ડપથી સળગી શકે તેવા કેરોસીન,પેટ્રોલ,ડીઝલ જેવા પદાર્થો ન રાખવા જોઇએ.

(૬) કપાસની હેરફેર વખતે કપાસના ઢગલા ઉપર બેસવું ના જોઇએ.

(૭) કપાસના ઢગલા પાસે ઢોર અને અન્ય પ્રાણીઓને બાંધવા ના જોઇએ.